સરળ રોગ ઉપચાર

અજીર્ણ (Indigestion)

(૧) ફૂદીનાનાં રસમાં સંચળ મેળવી ચાટવથી અજીર્ણ મટે છે.
(૨) એક ગ્લાસ હૂંફાળા પાણીમાં એક ચમચી આદુનો રસ અને બે ચમચી મધ મેળવીને પીવાથી અજીર્ણ મટે છે.
(૩) ભૂખ લાગતી જ ના હોય કે ભૂખ મરી ગઈ હોય તો દિવસમાં બે વાર અર્ધી ચમચી અજમો ચાવીને ખાવાથી ભૂખ ઊઘડશે.
(૪) એક ચમચી લીંબુનો રસ, એક ચમચી આદુનો રસ અને ચપટી સિંધવ-મીઠું મેળવી પીવાથી અજીર્ણ મટે છે.
(૫) કોકમનો ઉકાળો કરી, ઘી નાખી, પીવાથી અજીર્ણ મટે છે.
(૬) પેટમાં ખૂબ જ આફરો થયો હોય, પેટ ઢોલ જેવું થયું હોય અને પેટમાં દુખાવો થતો હોય તો ડુંટીની આજુબાજુ અને પેટ ઉપર હિંગનો લેપ કરવાથી તરત આરામ થાય છે.
(૭) ટામેટાંને સહેજ ગરમ કરીને સિંધાલૂણ અને મરી છાંટીને ખાવાથી અજીર્ણ મટે છે.

અનિદ્રા

(૧) સૂતા પહેલાં ઠંડા પાણી વડે હાથપગ ધોઈ તાળવે અને કપાળે ઘી ઘસવાથી ઊંઘ આવે છે.
(૨) ચોથા ભાગનું જાયફળ પાણી સાથે લેવાથી ઊંઘ આવે છે.
(૩) જાયફળ, પીપરીમૂળ તથા સાકર  દૂધમાં નાખી ગરમ કરી સૂતી વખતે પીવાથી સરસ ઊંઘ આવે છે.
(૪) રાતનાં સૂતી વખતે મધ ચાટવાથી ઊંઘ જલદી આવી જાય છે.

અલ્સર

(૧) ગાજરનો રસ પીવાથી અલસર મટે છે.

અશક્તિ

(૧) ગાજરનો રસ પીવાથી શરીરમાં સારી શક્તિ આવે છે. જેને અશક્તિ રહેતી હોય તેને ગાજરનો રસ ખૂબ ફાયદાકારક થાય છે.
(૨) એક કપ દૂધમાં એક ચમચી મધ નાખી પીવાથી અશક્તિ દૂર થાય છે.
(૩) અંજીરનો દૂધમાં ઉકાળીને ખાવાથી અને તે દૂધ પીવાથી શક્તિ આવે છે. લોહી વધે છે.
(૪) દૂધમાં બદામ, પીસ્તાં, એલચી, કેસર અને ખાંડ નાખી ઉકાળીને પીવાથી ખૂબ શક્તિ આવે છે.
(૫) ચણાનાં લોટનો મગજ, મોહનથાળ અથવા મેસૂર બનાવી રોજ ખાવાથી તમામ પ્રકારની નબળાઇ દૂર થાય છે અને શક્તિ આવે છે.
(૬) મેથીનાં કુમળાં પાનનું શાક બનાવીને ખાવાથી લોહીનો સુધારો થઈ શક્તિ આવે છે.

અંગ જકડાઈ જવું (Stiffness)

(૧) પગનાં ગોટલા ચઢી જાય તો, કોપરેલ તેલ ગરમ કરી, માલિસ કરવાથી આરામ થાય છે.
(૨) તલનાં તેલમાં હિંગ અને સૂંઠ નાખી સહેજ ગરમ કરી, માલિસ કરવાથી કમરનો દુખાવો, સાંધાનો દુખાવો, શરીરનું જકડાઈ જવું, લકવો વગેરે મટે છે.
(૩) વાયુ કે કફદોષથી કમરનો દુખાવો કે ડોક જકડાઈ ગઈ હોય તો થોડા પાણીમાં મરચાં નાખી, ઉકાળો કરી, તેમાં કપડું બોળી, દર્દવાળા ભાગ પર ગરમ પોતાં મૂકવાથી આરામ મળે છે.

આધાશીશી (Migraine)

(૧) સૂંઠને પાણીમાં ઘસી અને ઘસારો કપાળે લગાડવાથી આધાશીશી મટે છે. 
(૨) દૂધમાં ઘી મેળવી, પીવાથી આધાશીશી અને માથાનો દુખાવો મટે છે.
(૩) માથું દુખતું હોય તો કપાળે ચોખ્ખું ઘી ઘસવાથી માથું ઉતરે છે.
(૪) એક કપ પાણીમાં એક ચમચી હળદર નાખી, ઉકાળીને પીવાથી, તેનો નાસ લેવાથી માથાનો દુખાવો મટે છે.
(૫) માથુ દુખતું હોય તો તુલસીનાં પાન અને અગરબત્તી વાટીને માથે ચોપડવાથી તરત જ માથું ઊતરે છે.
(૬) નાળિયેરનું પાણી પીવાથી આધાશીશી અને માથાનો દુખાવો મટે છે.
(૭) નવશેકા પાણીમાં મીઠું નાખી બંને પગ પાણીમાં રાખવાથી ૧૫ મિનિટમાં માથાનો દુખાવો મટે છે.
(૮) જીભ ઉપર ચપટી મીઠું મૂકી, દશ મિનિટ પછી એક ગ્લાસ પાણી પીવાથી ગમે તેવો માથાનો દુખાવો મટે છે.