યોગાસન

યોગાસન શું છે ?

આસન હઠયોગનું પ્રથમ અંગ કહેવાયું છે. આસનના અભ્યાસ દ્વારા શારીરિક અને માનસિક સ્થિરતા, આરોગ્ય તથા સ્ફુર્તિ ઉત્પન્ન થાય છે. પતંજલિની વ્યાખ્યા પ્રમાણે સ્થિર અને સુખમય અવસ્થા આસન છે. પોતપોતાની પ્રકૃતિ, શારીરિક સમસ્યાઓ પ્રમાણે દરેક વ્યક્તિ જુદાં-જુદાં આસનો કરી શકે છે. આસનોનો પણ કોઈ નિશ્ચિત કે એકસરખો ક્રમ હોતો નથી. કેટલાક આસનો વ્યક્તિ માટે બહુ લાભકારી સિદ્ધ થાય છે તો કેટલાક આસનો ટાળવા પણ પડે છે

આસન કયા સમયે કરી શકાય?

આસનોના અભ્યાસક્રમનો સર્વોત્તમ સમય સવારનો છે. વહેલી સવારે સૂર્યોદય પહેલાં વાતાવરણમાં શાંતિ તથા તાજગી હોય છે. બીજો અનુકૂળ સમય સાંજનો છે. એ વખતે પણ વાતાવરણ અનુકૂળ હોય છે.

સાવધાની

આસન અનુભવી વ્યક્તિના માર્ગદર્શન હેઠળ કરવા હિતાવહ છે.
આસન કરતી વખતે શરીર ઉપર બળજબરી કરવી નહીં.
મોટા ભાગના આસનો પેટ સાફ થયા પછી કરવાના હોય છે. સાધક નિરોગી હોય એ પણ આવશ્યક છે.

મુખ્ય આસનો

(1) સિદ્ધાસન (Adept Pose) :-
રીત :-
સૌપ્રથમ જમીન પર બેસી ડાબા પગને ઢીંચણથી વાળી એ પગની પાનીને સીટની નીચે રાખવી. અને જમણો પગ વાળી એ પગની પાનીને લિંગના મૂળમાં રાખવી. પછી જમણા પગના પંજાને ડાબા પગની પીડી અને સાથળ વચ્ચે ભરાવી દેવો. આસનમાં કરોડ અને કમર સીધાં એક રેખામાં રાખવા. બંને પંજાને ઢીંચણ પર ચત્તા મૂકી જ્ઞાન મુદ્રા કરવી. દ્રષ્ટિ ભ્રમરની મધ્યમાં સ્થિર કરવી. પાંચ મિનીટથી શરૂઆત કરી સમય વધારતાં વધારતાં ત્રણ કલાક સુધી સિદ્ધાસનમાં બેસી શકાય. અગત્યની વાત સમય કરતાં આસનમાં સ્થિરતા અને એકાગ્રતાથી બેસવાની છે.

લાભઃ :-

આ આસન કરવાથી એકાગ્રતામાં સતત વૃદ્ધિ થાય છે. માનસિક શાંતિ મળે છે. વીર્યના રક્ષણ માટે આ આસનને અકસીર માનવામાં આવ્યું છે, આ આસનથી વીર્યધરા નાડી સબળ બને છે. વિદ્યાર્થીઓ આ આસનનો અભ્યાસ કરે તો તેમની યાદશક્તિ તીક્ષ્ણ બને છે અને વાંચેલું યાદ રાખવામાં સહાયતા મળે છે.

(2) પશ્ચિમોત્તાનાસન (Seated Forward Bend) :-
રીત :-
ચત્તા સૂઈ જાઓ. હાથ માથા તરફ લંબાવીને રાખો. બંને પગ ભેગા રાખી લાંબા કરો. હવે શરીરને આગળ તરફ વાળો અને બન્ને હાથને પગના પંજા તરફ લઈ જાઓ. પગના કાંડા પકડી ધડને આગળ લંબાવો અને માથું નીચું નમાવો. આ આસનનો સમય 15 સેકન્ડથી ક્રમે ક્રમે વધારીને ત્રણ મિનિટ સુધી કરી શકાય. શ્વાસોચ્છવાસ સ્વાભાવિક રીતે ચાલવા દેવો.

લાભ :-
આ આસનથી સ્નાયુઓ અને માસંપેશીઓ કસાઈને મજબૂત અને નીરોગી બને. ચાલવાની શક્તિ આવે છે. પેટની અંદરના અવયવો જેવાં કે જઠર, આંતરડાં, કાળજું, પીઠ, મૂત્રપિંડ વગેરે સબળ બને છે. પાચનશક્તિ વધે છે, પેટના સ્નાયુઓ મજબૂત બને છે. પેટ અને કમરની ચરબી દૂર થાય છે. જાતીય નબળાઈ દૂર થાય છે. સાયટિકા ના દર્દમાં આ આસનથી ફાયદો થાય છે. હાઈટ વધારે છે.

(3) ભુજંગાસન (Cobra Pose) :-
રીત :-
પેટ ઉપર ઊંધા સૂઈ જાઓ. આ સમયે કપાળ જમીનને સ્પર્શ કરાવો અને બંને હાથ બાજુ પર રાખો. હવે જમણા હાથનો પંજો જમણી છાતી પાસે અને ડાબા હાથનો પંજો ડાબી છાતી પાસે ગોઠવો. હાથની મદદથી માથું ઊંચું કરો અને પછી છાતી ઉંચી કરો. છાતી સુધીનો ભાગ ઊંચો કર્યા પછી છાતી નીચેના ભાગથી શરૂ કરી નાભિ સુધી પેટ ઊંચકવાનું છે. આ વખતે બંને હાથનો થોડો ટેકો લેવાનો છે અને ગર્દનથી કમર સુધીની કરોડને પાછળની બાજુ વાળવાની છે. આ સ્થિતિમાં દસથી વીસ સેકન્ડ સ્થિર રહો.

લાભ :-
પેટના સ્નાયુઓ ખેંચાવાથી ત્યાંના અવયવો કાર્યશીલ બને છે. જમ્યા પછી પેટમાં વાયુ થતો હોય તો આ આસનથી અટકે છે. કબજિયાત મટે છે. ખભાની માંસપેશીઓ અને છાતી વિકસે છે. શ્વસનતંત્ર વધુ કાર્યક્ષમ બને છે તથા હૃદય બળવાન બને છે. ગર્ભાશય અને બીજાશય સુધરે છે તેથી માસિક વિના કષ્ટે આવે છે. મગજમાંથી નીકળતા જ્ઞાનતંતુઓ બળવાન બને છે. કફ, પિત્ત પ્રકૃતિના લોકો માટે આ આસન હિતકર છે.

(4) ધનુરાસન (Bow Pose) :-
રીત :-
સૌ પ્રથમ જમીન પર ઊંધા સૂઈ જાઓ. હવે પગને ઢીંચણમાંથી વાળી પગની ઘૂંટીઓને હાથથી પકડો. હવે બંને હાથની મજબૂત પકડ રાખી બંને પગ ખેંચો આનાથી શરીરનો આકાર ધનુષ જેવો થશે. માથું પાછળ ઝુકાવી આકાશ તરફ જુઓ. પાંચ-સાત સેકંડથી શરૂ કરી ત્રીસેક સેકંડ સુધી આસન સ્થિર રાખી પછી ઉલટા ક્રમથી આસન છોડવું. આસન દરમ્યાન શ્વાસની ગતિ સ્વાભાવિક રીતે ચાલવા દેવી.

લાભ :-
આ આસનથી ફેફસાં મજબૂત બને છે અને હાથ તથા છાતીના સ્નાયુઓ સુદૃઢ બને છે. મંદાગ્નિ, કબજિયાત, અજીર્ણ જેવા પેટના રોગો દૂર થાય છે. પીઠની માંસપેશીઓ પર માલિશ જેવી અસર થાય છે. પેટ ઉપરની વધારે પડતી ચરબી દૂર થાય છે.

(5) હલાસન (plough pose) :-
રીત :-
પહેલા પીઠના બળે સૂઈ જાવ. એડી પંજા મેળવી લો. હાથોની હથેળીઓને જમીન પર મૂકીને કોણીને કમરથી અડાડીને મૂકો. હવે શ્વાસને સુવિદ્યામુજબ બહાર કાઢી લો. પછી બંને પગને એક સાથે ધીરે ધીરે ઉંચા ઉઠાવતા જાવ. ઘૂંટણ સીધા મૂકીને પગને ઉપર આકાશની તરફ ઉઠાવો પછી પાછળથી માથા તરફ ઉઠાવતા જમીન પર મૂકી દો. પછી બંને હાથને પંજાને ભેગા કરીને માથાને થોડુ દબાવો જેનાથી તમારા પગ વધુ પાછળની તરફ જશે. ધ્યાન રાખો કે પગ ખેંચાયેલા અને ઘૂંટણથી સીધા રહે. આને તમારી સુવિદ્યામુજબ જેટલો સમય સુધી મુકી શકો છો તેટલો સમય મુકી રાખો. પછી ધીરે ધીરે આ સ્થિતિની અવધિને બે થી પાંચ મિનિટ સુધી વધારો.


લાભ :-
કબજિયાત, મંદાગ્નિ, અજીર્ણ, આંતરડાની નબળાઈ વગેરે હલાસનથી મટે છે. બરોળ અને યકૃત આ આસનથી સારાં થાય છે. આ આસનથી થાઈરોઈડ ગ્રંથિની ક્ષમતા વધે છે. અનિંદ્રા દૂર થાય છે અને ઊંઘ સારી આવે છે. બહેનોને આ આસનથી ઘણો લાભ થાય છે.

(6) સર્વાંગાસન (Shoulder Stand) :-
રીત :-
આસન પાથરી પીઠના બળે સૂવું, પછી નિતંબના સાંધા પાસેથી ધીરે ધીરે પગ ઊંચા કરતા જવા જેથી જમીન સાથે એક ખૂણો બને. આ દરમિયાન ઢીંચણ સીધા જ રાખવા. હાથ અને કોણીઓ પણ સ્થિર રાખવાં. પગ દ્વારા જ શરીરને ઊંચકતા જવું જેથી હાથ પર શરીરનો ભાર રહે. એ વખતે છાતી હડપચીને એટલે કે ચીનને દબાવશે. એ વર્તુળ પૂરું થાય એ માટે એ કોણીઓથી બાહુઓ વાળશે અને એના હાથથી હડપચી પર દબાણ આપશે જેથી ગરદન પાસે ખાંચો ઊભો થશે. એ વખતે થાઈરોઈડ ગ્રંથિ પર ધ્યાન કેન્દ્રિત કરવું. એ મુદ્રા થોડીવાર જાળવી રાખો. આ અંતિમ મુદ્રામાં શ્વાસ સામાન્ય રહેવો જોઈએ. શરીરનું વજન બાવડા પર અને કોણીઓ પર આવવું જોઈએ, ગરદન પર નહીં. હવે પરત ફરો ત્યારે ધીરેથી અને હળવેથી કરોડરજ્જૂને નીચે મૂકતા જવું, પગ ધીમે ધીમે નીચે લાવવા અને શવાસનની મુદ્રામાં રહો. આ સ્થિતિમાં ત્રણથી પંદર મિનીટ સુધી રહી શકો.


લાભ :-
આ આસનથી યાદશક્તિ વધે છે. માનસિક શ્રમ કરનાર ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ આસન લાભકારી હોય છે. થાઈરોઈડ ગ્રંથિને તંદુરસ્ત બનાવે છે. લોહીનું પરિભ્રમણ વધારે છે. આ આસન સ્ત્રીપુરુષની જનનગ્રંથિને લાભકારક છે. આ આસનથી સ્વપ્નદોષ દૂર થાય છે. પાચનતંત્રની કાર્યક્ષમતા વધે છે. મુખ ઉપરના ખીલ અને ડાઘા દૂર થઈ ચહેરો તેજસ્વી બને છે. કબજિયાત, સારણગાંઠ, અકાળે વૃદ્ધાવસ્થા, દમ, કફ, ચામડીનાં રોગો, લોહીવિકાર, માસિકની અનિયમિતતા, માસિકના સમયે દુખાવો વગેરે સમસ્યામાં લાભકારી સાબિત થાય છે.

(7) મત્સ્યાસન (Fish Pose) :-
રીત :-
આસન પાથરી પદ્માસન કરો. એમ કરવાથી જમણો પગ ડાબા સાથળ પર અને ડાબો પગ જમણા સાથળ પર આવશે. હવે પદ્માસન કરી ચત્તા સૂઈ જાવ. બંને હાથના પંજાઓને શરીરની સમાંતર જમીન પર ટેકવો. હાથના પંજાઓના આધારે કમરને કમરમાંથી કમાનની માફક વાળો કે જેથી માથાનો ટોચનો ભાગ જમીનને અડે. હવે ડાબા હાથથી જમણા પગનો અંગૂઠો પકડો અને જમણા હાથથી ડાબા હાથનો અંગૂઠો પકડો. આ સમયે કોણીઓ જમીનને અડકાડેલી રાખો.લગભગ અડધાથી એક મિનીટ સુધી આ સ્થિતિમાં રહ્યા પછી ધીમેથી ઉલટા ક્રમમાં આસન છોડી મૂળ સ્થિતિમાં આવો.


લાભ :-
ગરદન અને ખભાના સ્નાયુઓ અકળાઈ જવાની સમસ્યા દૂર થાય છે. બુદ્ધિનો વિકાસ થાય છે. લોહીનું પરિભ્રમણ વધે છે. ફેફસાં અને કાકડા જેવા ગળાના રોગોમાં ફાયદો થાય છે. આંતરડાને કસરત મળે છે. પાચનતંત્ર કાર્યક્ષમ બનવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત બને છે. ભૂખ લાગે છે. આ આસનથી દમ, ક્ષય, ક્રોનિક બ્રોનકાઈટીસ જેવા રોગોમાં રાહત મળે છે. સ્ત્રીઓનાં માસિક દર્દો તથા માસિકની અનિયમિતતા આ આસનથી દૂર થાય છે.

(8) મત્સ્યેન્દ્રાસન (Spinal Twist) :-
રીત :-
બંને પગને આગળ સીધા લંબાવી બેસો. હવે ડાબા સાથળના મૂળમાં જમણો પગ મૂકો અને ડાબા પગને ઢીંચણમાંથી વાળીને જમણા પગની જમણી બાજુએ ઢીંચણ આગળ મૂકો.હવે શરીરને ડાબી બાજુ મરોડ આપીને જમણા હાથને ડાબી બાજુના ઢીંચણ પર થઈને ડાબા પગના અંગુઠાને પકડો. ગરદનને ડાબી બાજુએ વાળી ખભા ઉપર સ્થિર રાખો. આમ કરતાં આસન પૂરું થશે. હવે આસન ઉલટા ક્રમમાં છોડો. જેવી રીતે ડાબી તરફ કર્યું એવી જ રીતે હાથ અને પગની અદલાબદલી કરી જમણી તરફ આસન કરો. આસનની સ્થિતિમાં ત્રીસ સેકંડથી શરૂઆત કરીને લગભગ ત્રણથી પાંચ મિનીટ સુધી રહી શકાય.


લાભ :-
મત્સ્યેન્દ્રાસન પેટના અંદરના અવયવોનું સ્વાસ્થ્ય સુધરે છે. અજીર્ણ, મંદાગ્નિ જેવી ફરિયાદો દૂર થાય છે. યૌવનની પ્રાપ્તિ થાય છે. કરોડરજ્જુની સમસ્યાઓ દૂર થાય છે. સંધિવા મટે છે. મત્સ્યેન્દ્રાસન કરવાથી પાંસળીઓ ખેંચાય છે. જેથી કફ પ્રકૃતિવાળા માટે આ આસન લાભદાયી નીવડે છે.

(9) મયૂરાસન (peacock pose) :-
રીત :-
બંને હાથને બંને ઘૂંટણની વચ્ચે મુકો. હાથના અંગૂઠા અને આંગળીઓ અંદરની બાજુ મુકીને હાથેળી જમીન પર મુકો. પગ ઉઠાવતી વખતે બંને હાથ પર એકસરખું વજન આપીને ધીરે ધીરે પગને ઉઠાવો. હાથના પંજા અને કોણીના બળ પર ધીરે ધીરે સામેની તરફ નમતા શરીરને આગળ નમાવ્યા પછી પગને ધીરે ધીરે સીધા કરી દે છે. ફરી સામાન્ય સ્થિતિમાં આવતા પહેલા પગને જમીન પર લાવો અને ત્યારે ફરી વજ્રાસનની સ્થિતિમાં આવી જાવ. સામાન્ય રીતે ચાર-પાંચ સેકંડથી એકાદ મિનીટ સુધી આ અવસ્થામાં રહી શકાશે.


લાભ :-

આ આસનથી વાત, પિત્ત, કફ અને આળસ વગેરે સમસ્યાઓ દૂર થાય છે. મયૂરાસન પેટના દર્દ માટે ખૂબ ઉપયોગી છે. ભૂખ ઉઘડે છે અને ખોરાક જલ્દી પચે છે. કબજિયાત દૂર થાય છે. મયૂરાસનથી ડાયાબીટીસ અને પાઈલ્સની બિમારીમાં લાભ થાય છે. જઠર અને લીવરની સમસ્યાઓમાં રાહત મળે છે. જાતીય નબળાઈઓ દૂર થાય છે.

(10) પદ્માસન (Lotus pose) :-
રીત :-
સૌપ્રથમ પગને સીધા લંબાવી બંને પગ ભેગાં રાખી બેસો. પછી જમણા પગને ઢીંચણથી વાળી, ડાબા હાથથી જમણા પગનો પંજો પકડી એને ડાબી જાંઘ પર એવી રીતે મૂકો કે પગની એડી પેઢુના ડાબી બાજુના સ્નાયુઓને બરાબર અડે કે દબાવે. એવી જ રીતે ડાબા પગને મૂકો. પછી નાભિથી નીચે બંને એડીઓ ઉપર અનુક્રમે ડાબા અને જમણા હાથના પંજાને ચત્તા મૂકો. પદ્માસનમાં સ્થિતિ થાય ત્યારે ઢીંચણ જમીનને અડકેલા હોવા જોઈએ. સાથે સાથે શીર્ષ, કરોડરજ્જુ અને કમરનો ભાગ ટટ્ટાર હોવો જોઈએ.


લાભ :-
અક્કડ થયેલા ઢીંચણો આરોગ્યવાન બને છે. હૃદય માટે ફાયદાકારી સાબિત થાય છે. પદ્માસનથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. ભૂખ ઉઘડે છે, પાચનશક્તિ વધે છે, વાત-પિત્ત-કફ આદિ દોષોનું શમન થાય છે. આળસ દૂર થાય છે. બહેનોના ગર્ભાશય અને બીજાશયના વ્યાધિઓ આ આસનથી મટે છે.

(11) શલભાસન (Locust Pose) :-
રીત :-
સૌપ્રથમ પગ લાંબા કરી ભેગા રાખી પેટ ઉપર ઊંધા સૂઈ જાવ. ભુજંગાસનની માફક છાતીની સીધાણમાં શરીરની નજીક બંને હથેળીઓને જમીન પર લગાવો. પગના અંગૂઠા ખેંચેલા રાખો. નાક જમીન પર ટેકવવું, હવે જમણો પગ ધીમેધીમે ઊંચો કરો. ઢીંચણમાંથી પગ વળે નહીં. જમીન સાથેનો ડાબો પગ કે કમરનો કોઈ ભાગ ઊંચો ન થાય, તેની કાળજી રાખો. સ્થિર રાખી ધીમે ધીમે પગ નીચે ઉતારી દો. જમણા પગની માફક હવે ડાબો પગ તે જ રીતે ઊંચો કરી, ઘડીક સ્થિર રાખો અને પછી મૂળ સ્થિતિમાં મૂકી દો. આમ બંને પગ વારાફરતી ઊંચા કરી પાછા મૂળ સ્થિતિમાં મૂકી દેવા.


લાભ :-
કબજિયાત મટે છે. પેટના અવયવો અને લીવર અને યકૃતની સુધરે છે. ફેફસાં મજબૂત બને છે. હૃદયના સ્નાયુઓ મજબૂત બને છે. જમ્યા પછી થતા પેટના દુખાવાને મટાડે છે.

(12) શીર્ષાસન (Head Stand) :-
રીત :-
શીર્ષાસન કરવા માટે સૌથી પહેલા સમતળ જમીન ઉપર કામળો વગેરે પાથરી વજ્રાસનની અવસ્થામાં બેસી જાઓ. હવે આગળ તરફ ઝૂકી બંને બંને હાથની કોણીઓને જમીન ઉપર ટેકવો. બંને હાથની આંગળીઓને એકબીજા સાથે જોડી લો. હવે માથાને બંને હથેળીની વચ્ચે ધીરે-ધીરે રાખો. શ્વાસ સામાન્ય રાખો. માથાને જમીન ઉપર ટેકવ્યા પછી ધીરે-ધીરે શરીરનું પૂરું વજન માથા ઉપર છોડીને શરીરને ઊપર ઊઠાવો. શરીરનો ભાર માથા ઉપર લઈ લો. શરીર સીધુ કરી લો. આ અવસ્થામાં શીર્ષાસન કહેવામાં આવે છે. આ આસન માથાના બળે કરવામાં આવે છે એટલે તેને શીર્ષાસન કહેવામાં આવે છે. પંદરથી ત્રીસ સેકંડ સુધી આ સ્થિતિમાં રહો.


લાભ :-
શીર્ષાસન કરનારનું મુખ તેજસ્વી બને છે. લોહીના વિકારોથી થતા રોગો મટે છે. શરીરના અવયવોમાંથી અશુદ્ધ લોહી દૂર થાય છે. ધોળા વાળ કાળા થાય છે. વૃદ્ધાવસ્થાને લીધે મોં પર પડતી કરચલીઓ ઘટે છે. સ્મરણ શક્તિ વધે છે. બુદ્ધિ તીક્ષ્ણ થાય છે. આંખ, કાન, નાક, ગળા વગેરેના સામાન્ય દોષો દુર થાય છે. શીર્ષાસન આંખની દૃષ્ટિ સુધારે છે. શરૂઆતના ચશ્માનાં નંબર પણ એનાથી ઉતરી જાય છે. શીર્ષાસન માનવો માટે અમૃત સમાન છે.

(13) વજ્રાસન (Diamond Pose) :-
રીત :-
બંને પગને આગળ સીધા લંબાવી બેસો. હવે ડાબા પગને ઢીંચણમાંથી વાળીને જમણા પગની જાંઘ પાસે ઊભો મૂકો. પછી ડાબા હાથથી ડાબા પગની ઘૂંટીને પકડી પગને પાછળ લઈ જાવ. આ સમયે પગનો અંગૂઠો ખેંચેલો રાખો. આમ કરવાથી ડાબો ઢીંચણ જમીનને અડશે અને એડી થાપાની બાજુમાં રહેશે. આ જ પ્રમાણે જમણા પગને પણ વાળીને પાછળ લઈ જાવ. હાથના પંજા ઢીંચણ પર ઊંધા મૂકો અને દૃષ્ટિ સામે સ્થિર રાખો. આસનની અવસ્થામાં મસ્તક, કરોડ અને કમરને ટટ્ટાર રાખો.


લાભ :-
આ એક સરળ આસન છે, શરીરને કષ્ટ આપ્યા વગર સ્થિરતાથી આ આસનમાં લાંબો સમય સુધી બેસી શકાય છે. આ આસનમાં લોહી યોગ્ય રીતે ફરવાથી શરીર નીરોગી રહે છે. જમ્યા પછી અડધો કલાકે આ આસનમાં બેસવાથી પેટનો વાયુ નાશ પામે છે. પાચન શક્તિ વધે છે અને અજીર્ણ દૂર થાય છે. આ આસન ધ્યાનને માટે અત્યંત ઉપયોગી છે.

(14) સુપ્ત વજ્રાસન :-
રીત :-
વજ્રાસનમાં બેઠા પછી કોણી સુધીના હાથને જમીન ઉપર બાજુમાં મૂકીને એના પર શરીરનું વજન ટેકવો. પછી હાથને પાછળ લેતા જઈ પીઠ પર સૂઈ જાવ. આ સમયે પીઠ કમાનની માફક વળેલી હશે અને ઘણે ભાગે જમીનને સ્પર્શેલી રાખો. હાથની હથેળી સાથળ પર હશે. આ સ્થિતિમાં ત્રીસ સેકંડથી ધીમે ધીમે અભ્યાસ થતાં દસેક મિનીટ સુધી રહી શકાય. આસનને છોડવા માટે ઉલટા ક્રમમાં હાથનો ટેકો લઈ બેઠા થવું અને પછી પગને છૂટા કરી મૂળ સ્થિતિમાં લાવવા.


લાભ :-
આ આસનથી પેટના સ્નાયુઓ સંપૂર્ણપણે ખેંચાય છે. આંતરડામાં આ આસન કરવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. પાચનશક્તિ વધે છે અને કબજિયાત, અજીર્ણ વગેરે રોગો નાબૂદ થાય છે. કરોડરજ્જુને લગતા દુખાવા કે અન્ય બિમારીઓનો દૂર થાય છે. વજ્રાસન અને સુપ્ત વજ્રાસન બંને પગના અને ઢીંચણના દુઃખાવા માટે આ આસન અકસીર છે.